Friday, 13 November 2020

થોડું મારા વિશે.......


જેમ જેમ સમયની ચારણીમાં ક્ષીણ થતી જાવ છું એમ એમ સમયનાં અરીસામાં વધુ સ્પષ્ટ રીતે જોઈ શકું છું.જન્મદિન તો ઘણા આવ્યાને ગયાં વધતી ઉંમરથી જાતને શું માપવી ! હું તો માપું છું મારી જાતને ભુલો ને ભુલોમાંથી જીવનની લીધેલી શીખથી.

નિષ્ફળતા ઘણી મળી છે પરંતુ નિરાશ થઈ નથી..  સફળતા ઘણી મળી છે પરંતુ સંતોષ થયો નથી..જાતને જ્યાં છું ત્યાં જ સ્વીકારી શકવાની અને આરામ કરવાની થકાવટ આવી નથી. હજી તરબતર છું ઉત્સાહથી, જીવવાનાંને નવું કરતાં રહેવાનાં ઝનુનથી, એટલે જ મારી જાતને હું થોડી વધારે ગમું છું...

એવું એ નથી જીવનમાં કાયમ આ ઉત્સાહને સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે. ક્યારેક મને એ શોક, દુઃખ, ડર, નકારાત્મકતાના વાદળો નડે છે પરંતુ હું એવા સમયને બસ એક પ્રસંગ સમજી જવા દેઉ છું. રસ્તો છે જીવનનો ક્યારેક આવા પથ્થર તો નડે. પરંતુ ત્યાં જ અટકી જવું ! એવું નથી આવડતું મને, આવી ખુમારી કદાચ મોમના ઉછેરનો જ પ્રતાપ છે , બાકી હું અંદરથી બહું ડરપોક હતી. મોમના સાથ અને પ્રેમે જાણે મને જીવંત રાખી છે અને મારી બેને મુંજવણમાં રસ્તો બતાવવાનું નહીં મારા માટે ખુદ નવો રસ્તો બનવાનું કામ કર્યું છે.‌ ક્યારેક તો મને અંધકાર દેખાય ને એ મને ચાંદ બતાવે..

મને થોડી ‌વધારે ઘડી છે મારા ડીગ્રીના શોખ એ, હજીએ આ સફર ચાલુ છે. નવી નવી ડીગ્રી સાથે જ્ઞાન મળતું રહે ને લાગશે મારા જીવનનાં અર્થને હું સાર્થક કરું છું..
મારી વ્યસ્ત કે થકાવટ ભરી સમયની વાટમાં આરામની ક્ષણો લઇ આવે છે મને ગમતી પ્રવૃત્તિઓ. વાંચન, લેખન , ચિત્રો ને ઈતિહાસ. વાંચનની આદતે મને જડતાં ત્યજી વધું વિસ્તૃત બનાવી છે મારી સૃષ્ટિને જોવાની દ્રષ્ટિ સુધારી છે. લેખનના શોખે  માતૃભાષાને વધું નજીકથી જાણવા અને નવું જ્ઞાન મેળવવા લલચાવી છે તો લેખનથી મળતી માનસિક હળવાશે મને કાયમ શબ્દોથી જોડી રાખી છે. જ્યારે પણ એક જ ઢાળમાં ચાલતાં જીવનથી કંટાળો આવે હું રંગો ને પેન્સિલ પકડી લઉં એમાં નવું શીખવાનું અપ્રત્યક્ષ હોય છે અને દોરવાનો અલોકિક આનંદ. ઈતિહાસમાં મારો રસ એ મને અભ્યાસની સાથે સાથે વ્યસ્ત અને જટીલ ડીગ્રીની દોડને સરળ બનાવવામાં સહાયરૂપ થાય છે..

હું મારા શોખોમા ભરપુર જીવું છું અને હા, આ જ ક્ષણે ભરપુર જીવું છું. જીવન અનંત નથી હું અનંત નથી ક્યારેક તો ખતમ થઈ જઈશ એ સ્વીકારી જીવું છું.
મારા જીવનને દુરથી કે પાસેથી જોનારને ધણી અધુરપ અને મુર્ખામી દેખાતી હશે. પરંતુ એ ક્ષણમાંથી શીખીને પસાર થઇ હું આ ક્ષણમાં જીવું છું.....

મારા જીવનનાં રસ્તામાં કંટક બનેલાં, પુષ્પ બનેલાં, વિરામનું વૃક્ષ બનેલા કે વિધ્ન બનેલા કે સહચર બનેલાં સહુની હું હૃદયથી આભારી છું....
આ રસ્તામાં હજી એ નવા મુકામ આવશે, નવા સંબંધો જોડાશે, નવી સિધ્ધીઓ આવશે બસ નહીં આવશે તો વિતેલી ક્ષણો અને આ વિતી રહેલી ક્ષણો...બસ આ ક્ષણમાં જીવંત રહું હું એ જ કાયમની અભિલાષા....
આભાર...મને વાંચવા માટે .. 🙏☺️🙏
તમારું જીવન નીતનવી ખુશીથી ભર્યું રહે એ જ પ્રાર્થના..


 

2 comments:

  1. તમને જન્મદિન ની ખુબસારી શુભકામના... અને હમેશા તમારા અદભુત બ્લોગ થી અમને સમજ જ્ઞાન તથા જીવવાની રીત શિખવતા જાવ એવી શુભકામના.... આપનું જીવન મસ્ત હસતું ખીલતું નીરોગી રહે દીદી મમ્મી નો પ્રેમ હમેશાં વરસતો રહે એવી શુભેચ્છાઓ...😊💐💐💐🎂🎂💖🥳

    ReplyDelete
  2. તમને જન્મદિન ની ખુબસારી શુભકામના... અને હમેશા તમારા અદભુત બ્લોગ થી અમને સમજ જ્ઞાન તથા જીવવાની રીત શિખવતા જાવ એવી શુભકામના.... આપનું જીવન મસ્ત હસતું ખીલતું નીરોગી રહે દીદી મમ્મી નો પ્રેમ હમેશાં વરસતો રહે એવી શુભેચ્છાઓ...😊💐💐💐🎂🎂💖🥳

    ReplyDelete

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીએ મારું મનોમંથન

 26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...