Saturday, 9 May 2026

મારી વ્હાલી મમ્મી

વહાલી મમ્મી,


આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર.

 ધીરે ધીરે મને વધુ સમજાય છે કે તેં અમને જે આપ્યું છે તે કેટલું અમૂલ્ય હતું ! દુનિયામાં એવા નસીબદાર ઓછા હોય છે જેમના માતા-પિતા પોતાની પીડા અને સંઘર્ષને પીઠ પાછળ છુપાવીને સંતાનોને સુકૂનભર્યું બાળપણ આપે. તેં તો અમને એકલા હાથે હથેળીમાં રાખીને સાચવ્યા છે. તેં ક્યારેય તારી ઈચ્છાઓનો બોજ અમારા પર નથી થોપ્યો, કે નથી અપેક્ષાઓના બંધનમાં અમને બાંધ્યા. તેં તો હંમેશા અમને 'મુક્ત આકાશ' આપ્યું, અને એટલે જ તારું વહાલું બંધન અમને વધું વહાલું લાગ્યું છે.....

મારી મુશ્કેલીઓમાં તું તારી સમજણના દ્વાર ખોલીને ઉકેલનો ઢગલો કરી દે છે અને ક્યારેક જો હું તારી મરજી વિરુદ્ધના રસ્તે પણ ચાલવા માંડું, તો તું ત્યાં કચવાટ કરવાને બદલે મારા માટે ફૂલો બિછાવી દે છે જેથી મને ઠેસ ન વાગે.

તું ક્યારેક મારી વહાલી મા બની જાય છે, તો ક્યારેક ડગલે ને પગલે સાથ આપતી એક સાચી મિત્ર. ક્યારેક તું જીવનના ગહન સત્યો સમજાવતી ફિલોસોફર છે, તો ક્યારેક દરેક સુખ-દુઃખમાં ખભેખભા મિલાવી ચાલતી મારી પાર્ટનર. તારા હોવાના આટલા બધા સ્વરૂપો જ મારા જીવનને પૂર્ણ બનાવે છે.
તારી સરખામણી કોઈની સાથે શક્ય જ નથી, તું જે છે તે લાજવાબ છે. આજે બસ એટલું જ કહીશ...

"ઈશ્વરે મને આપેલી જીવનની સહુથી અમૂલ્ય ભેટ એટલે તું"

Sunday, 25 January 2026

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીએ મારું મનોમંથન

 26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે —

શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું છે? શહીદો કોણ હતા? અને ગુલામીનો અંધકાર કેટલો ઊંડો હતો?

આ પ્રશ્ન જો એક સામાન્ય નાગરિકના મનમાં ઊઠે તો સ્વાભાવિક છે,

પરંતુ જ્યારે એ પ્રશ્ન એક શિક્ષકના મનમાં ઉદ્ભવે —

ત્યારે એ ભારતની શૈક્ષણિક વ્યવસ્થા સામેય પ્રશ્નાર્થ ઊભા કરે છે! 

શિક્ષક તરીકે હું સ્વીકારું છું કે માત્ર અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો કે શિક્ષકના શબ્દોથી દેશપ્રેમ, ભારતનો ઇતિહાસ, ગૌરવગાથા અને શહીદોના અમર બલિદાન

વિદ્યાર્થીઓના હૃદયમાં ઊંડે સુધી ઉતરી જાય — એવું માનવું અધૂરું છે.

આજની પેઢીમાં દેશપ્રેમ છે, આ સત્ય છે.

પરંતુ ઘણી વખત એ દેશપ્રેમની મૂળભૂત જડ મજબૂત નથી. બલિદાન, સંઘર્ષ અને પીડાની ગાથાને જાણ્યા, સમજ્યા અને અનુભવ્યા વગર ઉદ્ભવતો દેશપ્રેમ ઘણી વાર માત્ર પ્રતિકાત્મક બનીને રહી જાય છે.


મારાથી અનાયસે આજના સમયના કિશોરો અને પોતાની કિશોરાવસ્થાની સરખામણી થઈ જાય છે. અમારા સમયમાં 26 જાન્યુઆરી અને 15 ઑગસ્ટ માત્ર રજાનો દિવસ નહીં 

એ રાષ્ટ્રપ્રેમનો ઉત્સવ હતો. શાળાઓમાં રાષ્ટ્રભક્તિના ગીતો ગૂંજી ઊઠતા, શહીદોના નારા દિલમાંથી નીકળતા અને કાર્યક્રમોમાં રાષ્ટ્રીય નેતાઓના જીવન પર આધારિત નાટકો

અમને દેશના ઈતિહાસ સાથે જીવંત રીતે જોડતા. પાઠ્યપુસ્તકમાં આવતો ભગતસિંહ, ગાંધીજી કે સરદાર શાળાનું ભણતર પૂરુ થયા પછી કદાચ ભૂલાઈ જાય, પણ મંચ પર જીવંત બનેલા તેમના સંઘર્ષ અને સમર્પણ જીવનભર માટે મનમાં વસીને રહી જતાં.

રાષ્ટ્રીય તહેવારોના દસ-પંદર દિવસ પહેલાંથી શરૂ થતી તૈયારી અમને શિસ્ત, સમર્પણ અને જવાબદારીનું મહત્વ શીખવતી એ તૈયારી જ રાષ્ટ્રીય પ્રેમની નીવ હતી.


આજના સમયમાં જ્યારે રાષ્ટ્રીય તહેવારોના કાર્યક્રમો તરફ નજર કરીએ, ત્યારે ઘણી વખત સ્વાતંત્ર્ય સંગ્રામ, ગુલામી સામેનો સંઘર્ષ અને રાષ્ટ્રીય નેતાઓની વિચારધારા કાર્યક્રમોમાંથી ગાયબ હોય છે. એની જગ્યાએ મનોરંજન અને સામાન્ય નૈતિક સંદેશાઓએ સ્થાન લીધું છે.

આ કાર્યક્રમો ખોટા નથી —

પરંતુ રાષ્ટ્રીય તહેવારો પર કેમ રાષ્ટ્રને સંલગ્ન કાર્યક્રમો ગાયબ થાય?

આ પ્રશ્ન મને સતત મથામણમાં નાખે છે.

બાળકોની વાર્તા વાંચનમાં શહીદોની નાની-નાની પ્રેરણાદાયી કથાઓ હવે ભાગ્યે જ જોવા મળે છે. કાર્ટૂન અને વિડિઓઝમાં પણ રાષ્ટ્રપ્રેમને રસપ્રદ રીતે રજૂ કરવાની રીત નથી . એની સામે કલ્પનાજગતના પાત્રો બાળકોને વધુ આકર્ષે છે.

પેઢી દર પેઢી સંઘર્ષ બદલાય — એ સ્વાભાવિક છે. પરંતુ પોતાના પૂર્વજોની સંઘર્ષની કથા ભુલાઈ એ અસ્વાભાવિક છે. દરેક પેઢીને પોતાનો ઇતિહાસ ખબર હોવો જોઈએ..એ જ તો ભારતીય પરંપરા છે.


આઝાદીની ઉજવણી પહેલા આઝાદીની સમજણ હોવી જોઈએ...કારણ કે પોતાના મૂળને ઓળખ્યા વગર કોઈપણ રાષ્ટ્રનું ભવિષ્ય મજબૂત બની શકે નહીં.......

Tuesday, 6 January 2026

ભક્તિ આંદોલનમાં મીરાબાઈ

મીરાબાઈ : સ્ત્રી ચેતનાનો અનન્ય અવાજ


સાતમીથી સત્તરમી સદી દરમિયાન ભારતીય ઉપખંડમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયના આધારરૂપે સૂફિ–ભક્તિ આંદોલન વિકસ્યું. આ આંદોલન માનવમાત્રમાં ઈશ્વર પ્રત્યેના પ્રેમ, સમર્પણ અને સમાનતાનો સંદેશ આપે છે. અયનાર, નયનાર અને મધ્યકાલીન સંતોએ આ પરંપરાને વિશિષ્ટ ઊંચાઈ આપી. આ જ પરંપરામાં રાજસ્થાનની મહાન સ્ત્રી સંત મીરાબાઈનું પ્રદાન અતિ મહત્ત્વપૂર્ણ છે.


મીરાબાઈ 15મી સદીમાં વૈષ્ણવ ધર્મની સગુણ ભક્તિના સ્ત્રી પ્રતિનિધિ તરીકે ઊભરી આવે છે. ઈ.સ. 1498માં રાવ રતનસિંહના કુળમાં તેમનો જન્મ થયો. બાળપણથી જ દાદાના એક વાક્યથી પ્રેરાઈ મીરાએ શ્રીકૃષ્ણને પોતાના પતિ સ્વરૂપે સ્વીકારી લીધા. મેવાડના રાણા સાંગાના પુત્ર ભોજરાજ સાથે તેમના લગ્ન થયા છતાં તેમનું ચિત સંપૂર્ણપણે કૃષ્ણમાં જ લીન રહ્યું.


સંત રૈદાસ જેવા ગુરુઓના માર્ગદર્શનથી મીરાની કૃષ્ણભક્તિ વધુ દૃઢ બની. વૃંદાવન અને દ્વારકાની દંતકથાઓ તેમની અનન્ય ભક્તિની પરાકાષ્ઠા દર્શાવે છે. 16મી સદીના સામંતશાહી, પિતૃસત્તાત્મક અને રૂઢિવાદી રાજપૂત સમાજમાં મીરા ભક્તિ સંપ્રદાયની એક અનન્ય સ્ત્રી પ્રતિનિધિ તરીકે સામે આવે છે. પતિને પરમેશ્વર માનવાની પરંપરામાં મીરા પરમેશ્વરને જ પતિ સ્વરૂપે સ્વીકારે છે, જે પુરુષપ્રધાન સમાજ માટે એક ખુલ્લો પડકાર હતો.


સતી પ્રથા ગૌરવરૂપ ગણાતી એ સમયગાળામાં મીરા ભક્તિના માર્ગે ચાલીને આ પ્રથાને નૈતિક રીતે પડકારે છે. આ રીતે મીરા માત્ર ભક્ત નહીં પરંતુ સામાજિક વિદ્રોહી સ્ત્રી ચેતનાનું પ્રતિબિંબ બને છે.


સગુણ ભક્તિના ગાયન, વાદન અને નર્તન – આ ત્રણેય તત્વોનો સુમેળ એટલે મીરાબાઈ. કરતાલ અને એકતારો સાથે કૃષ્ણભક્તિમાં લીન મીરા આજે પણ લોકકથાઓમાં જીવંત છે. માંડ, ગુજરી અને મારું જેવા લોકરાગોમાં ગવાયેલા તેમના પદો સંગીત અને અર્થબોધનો સુંદર સમન્વય કરે છે.


મીરાના પદો મીરાંની પદાવલી, પદ પ્રણાલિકા, ભક્તમાલ તથા વૈષ્ણવ સંપ્રદાયની પાંદુલિપિઓમાંથી પ્રાપ્ત થાય છે. મોટાભાગના પદો વજ્ર રાજસ્થાની બોલીમાં રચાયેલા છે, જે લોકબોલીથી નજીક હોવાને કારણે જનમાનસ સુધી સહજ રીતે પહોંચ્યા. આ પદોએ ઈશ્વરભક્તિને સરળ, સુલભ અને પરિવર્તનશીલ માર્ગ તરીકે જનજન સુધી પહોંચાડી.


મધ્યયુગીન ભક્તિ આંદોલનમાં મીરાબાઈ એક તરફ સામંત પ્રથા અને વૈવાહિક બંધનો સામે ઊભી રહેનારી સ્વતંત્ર, આધુનિક વિદ્રોહી સ્ત્રી છે, તો બીજી તરફ આધ્યાત્મિક રહસ્યવાદ અને અલૌકિક ગોપીમય સમર્પણથી ભરપૂર સ્ત્રી ચેતનાનું ઉત્તમ રૂપ છે.


આ રીતે મીરાબાઈ સૂફિ–ભક્તિ પરંપરામાં પ્રેમ, સમર્પણ અને સમાનતાનો શાશ્વત સ્વર બની ઊભરે છે. તેમની ભક્તિ માત્ર આધ્યાત્મિક નથી પરંતુ સ્ત્રી સ્વતંત્રતા અને સામાજિક જાગૃતિનો પ્રબળ અવાજ છે. મીરાનું જીવન અને કાવ્ય આજેય માનવતાને પ્રેમ અને ભક્તિના માર્ગે દોરે છે.

જામનગર સ્થાપત્ય

 1540 માં નવાનગર તરીકે જામરાવળે વસાવેલું શહેર આજે જામનગર તરીકે પ્રસિદ્ધ છે. પ્રજા વત્સલ્ય જાડેજા રાજાઓના કલા પ્રેમે જામનગર સૌરાષ્ટ્રના સ્થાપત્ય અને કલાના ઇતિહાસમાં અદિત્ય સ્થાન ધરાવે છે. 


જાડેજા વંશના શાસનકાળમાં જામનગર શહેરમાં ખંભાળિયા, દ્વારકા, કાલાવડ અને ભાદરા ચાર મુખ્ય ગેટ હતા.ખંભાળિય ગેટ બાંધકામ અને સુરક્ષા પદ્ધતિનુ સુંદર પ્રતિબિંબ છે. ભુજીયા કોઠામાં છઠ્ઠા માળે બનેલ વોચ ટાવર સ્થાપત્યમાં યુરોપિયન પ્રભાવ દર્શાવે છે. તો રણમણ કે લખોટા તળાવમાં સ્પષ્ટ રીતે હિન્દુ -યુરોપિયન તત્વનો પ્રભાવ દેખાય છે જે આજે જામનગરના મ્યુઝિયમ તરીકે લોકો માટે ખુલ્લું છે .રણજીતસિંહ દ્વારા બંધાવવામાં આવેલ પ્રતાપ વિલાસ પેલેસ ઈન્ડો સેનેસિનિક શૈલીનું ગુજરાતી સ્થાપત્ય છે. જામ વિભાજી દ્વારા બનાવાયેલ વિભાવિલાસ પલેસ હાલમાં જામનગરના સર્કિટ હાઉસ તરીકે સુશોભિત છે. જાડેજા રાજાઓનો દરબારગઢ રાજપૂત-યુરોપિયન શૈલીમાં છે.જામનગર સોલેરીયમ ખાસ વૈજ્ઞાનિક સ્થાપત્ય સ્મારક છે.


સેન્ટ મેરી ચર્ચ , જામા મસ્જિદ, બાલા હનુમાન મંદિર ધાર્મિક સ્થળો ઉલ્લેખની છે, સિધ્ધનાથ મહાદેવ જામનગર ને 'છોટા કાશીની 'પ્રસિદ્ધિ અપાવે છે.


જામનગરની સ્થાપત્ય કલા અહીંના રાજાઓનો કલા પ્રેમ અને પ્રજાપ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે. હિંદુ, યુરોપિયન અને ઈન્ડો-સેરેસિનિક શૈલીઓના સંમિશ્રણથી આ શહેર સૌરાષ્ટ્રના ‌સ્થાપત્ય ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને “સૌરાષ્ટ્રનું પેરિસ” તરીકે ઓળખાય છે.

Sunday, 30 January 2022

મારી નજરે કમ્ફર્ટ ઝોન એક ભ્રમ

ઈન / આઉટ કમ્ફર્ટ ઝોન!? 

"કમ્ફર્ટ ઝોન" આ શબ્દ સાંભળ્યો ને વાંચ્યો હશે જ સૌ કોઈએ. તો આ શબ્દને લઈને થોડુંક.

જીવનના અમુક પડાવે આ શબ્દ ખૂંચે. ને એમાં જ ડૂબવાનું મન થઈ જાય અથવા તો તોડવાનું. પણ એક છોકરી જે ભણવામાં નબળી છે ને એને ભણવામાં મન પણ નથી. અને ચડાવ પાસ થાય, દરેક ધોરણમાં. પછી કેટી સોલ્વ કરીને કે કાપલીનો સહારો લઈને પાસ થાય! હવે, આને આપણે શું કહીશું!? અને એક બીજો દાખલો લઈએ, જે પહેલીની જેમ જ ભણવામાં નબળી, પણ એને ભણવું છે. અને એ પ્રગતિ કરે છે. આને શું કહેશો!? કે કમ્ફર્ટ ઝોન તોડ્યો, એમ? પણ પહેલીની દ્રષ્ટિએ જોઈએ તો? એને સંઘર્ષ કર્યો હોય, એમ નથી લાગતું?

આપણે જ્યારે આપણી નજરથી દુનિયા જોઈએ છીએ તો ઘણું બધું કમ્ફર્ટ ઝોનમાં સ્થિત જીવન લાગશે અથવા તો સંઘર્ષમાં.

ખેર, હજુ એક ઉદાહરણ લઈએ. એક ખેડુતપુત્ર કે જેને ખેતીમાં રસ નથી અને તે જમીન વેચીને શહેરમાં શિફ્ટ થઈને રહેવા લાગે છે. અને બીજો એક વ્યક્તિ એન્જિનિયર હોવા છતાંયે પોતાને વારસામાં મળેલી જમીન ઉપર ઓર્ગેનિક ખેતી કરે છે! બન્ને પોતાની લાઈફમાં ખુશ છે. આમના કમ્ફર્ટ ઝોન અંગે શું કહેવું ?!

દરેક વ્યક્તિને પોતાનો સંઘર્ષ હોય છે , જેમાં શાંતિ, આનંદની અનુભૂતિ એ અલગ. આ અનુભૂતિને જ તેમની સફળતા એ ગણી શકાય ને !

હજી એક વ્યુ પોઇન્ટ ઉમેરું, એક સ્ત્રી પોતાની મરજીથી ગૃહિણી બનવાનું પસંદ કરે છે, જ્યારે બીજી બહાર કામ કરવાની ઈચ્છા છે પરંતુ આવડત નથી, ને આવડત કેળવવાનો રસ્તો ખબર છે પણ હિંમત નથી માટે ગૃહિણી બનવાનું પસંદ કર્યું. આ બન્નેમાં ફેર છે..સ્ત્રી બહાર નીકળી હુન્નર કેળવે, એને આજકાલના વિચારકોની દષ્ટિએ કમ્ફર્ટ ઝોન છોડ્યો કહેશું. અને જો ગૃહિણી બંને તોય જાતની ઈચ્છા સાથે સમજોતા કરી જીવવાનો સંઘર્ષ તો છે જ ! ... એને શું કહેશું ??

Thursday, 2 December 2021

"એરેન્જ મેરેજ" - સહજ રીતનો અસહજ અમલ 1

જન્મ લગ્ન અને મરણ ત્રણ મહત્વના પડાવ છે જીવનમાં. જન્મ અને મરણ તો માણસનાં હાથમાં નથી, માણસ ખાલી લગ્ન જ પોતાની મરજીથી કરી શકે છે કે પસંદગી કરવાની તક મળે છે. આ વ્યવસ્થાને સમાજ અને સંબંધી દ્વારા મેનેજ થાય છે, જેને આજકાલ એરેન્જ મેરેજ કહેવાય છે. આમ તો પ્રાચીન કાળથી ગાંધર્વ વિવાહ એ ખાસા પ્રચલિત છે, પરંતુ મારા જેવાં ઘણાં જેમણે ભણતર અને જીવન માણવાની ધૂનમાં એ પાસા પર ધ્યાન નથી આપ્યું એમને ભાગે એરેન્જ મેરેજ જ આવે છે. જોકે ક્યાંક સમાજ શું કહેશે ! બીજી જ્ઞાતિમાં નહીં થાય! સંતાને માતા-પિતાની મરજીથી જ લગ્ન કરવાં જેવાં હઠાગ્રહ એ એરેન્જ મેરેજ ને વધારે "ખતરનાક" બનાવે છે. હું ખતરનાક શબ્દ જ વાપરવાનો પસંદ કરીશ કારણ કે, ભલે સિધ્ધાંતની દ્રષ્ટિએ આદર્શ વ્યવસ્થા હોય પરંતુ અમલ કરવામાં સમાજ દેખાદેખી વધારે ને બુધ્ધી ઓછી વાપરે છે, પરિણામે આદર્શ વ્યવસ્થાએ બેહુદુ રૂપ ધારણ કર્યું છે અને તેના ભોગ બને છે મારા જેવાં યુવાનો.

સારું પાત્ર પસંદ કરવાની લાહ્યમાં આપણે કેટકેટલું કરતા હોઈએ છીએ, પરંતુ સારું પાત્ર એટલે કેવું ? એ વિષે વિચાર ઓછો કરીએ છીએ. 
શરૂઆત જ 'છોકરી જોવાથી' કરીએ છીએ, જાણે દેખાવ જ મહત્વનો હોય. દેખાવે ગમી જાય એ છોકરી માતાપિતા સન્માન ના કરતી હોય તો ચાલશે ?! લગ્ન જીવન તો યુવાનીથી લઈને ઘડપણ સુધીનો સથવારો છે સુંદર ચહેરો યુવાનીમાં સારો લાગશે સાથે તોછડો સ્વભાવ હશે તો ચાલીસી પછી શું ! છોકરી પક્ષે વાત કરું તો સુખસુવિધા, ઘરકામમાં મનમાની છોકરાનાં ઘરની આર્થિક પરિસ્થિતિ જોઈને જ લગ્ન થાય. પરંતુ જ્યાં આત્મસન્માન ના જળવાઇ, જ્યાં સમાન વ્યવહાર ના થાય ત્યાં જીંદગી જીવાશે ? કે પછી ભૌતિક સુખસુવિધાની મલમપટ્ટીથી જીંદગીભર કામ ચલાવશો‌ ? દહેજમાં જોઈએ એ મળશે આધુનિક યુગમાં છોકરીનાં પરિવારને પરંપરા નામે કરિયાવરનો ભારો હોય જ છે, પરંતુ જોઈએ એટલું દહેજ લઈ આવે એ ઘરને ના જોડી રાખે તો ?!
આવા તો ઘણા સવાલો ઉભા હોય લગ્ન માટે પસંદગી કરવામાં પરંતુ પસંદગીનો આધાર શું ??
સમાજના બે ચાર લોકોનો "સારા છે" નો અભિપ્રાય અને વીસ પચ્ચીસ મિનિટની વાતચીત. શું આટલામાં લાઈફ પાર્ટનર શોધી શકાય !?
માણસને ઓળખવા માટે એ આટલો સમય અપુરતો છે ! અને કેટકેટલું જાણવાનું હોય સ્વભાવ, ગમા અણગમા , કેરીયર જોબ, માણસ તરીકે પાત્ર કેવું અને ખાસ એમની સાથે બાકીની લાઈફ આનંદમાં વિતશે ને ! જો 'joy of life' ના હોય તો બીજા 32 લક્ષણો મળે એનો એ મતલબ નથી..

ચતુર, પ્રભાવશાળી વ્યક્તિગત, વાક્પટુ ને સારું ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવતા છોકરા સરળતાથી પસંદગી મેળવી લેતા હોય છે જ્યારે છોકરીઓમાં પણ સુંદર, ઘરરખ્ખુ , શાંત, સંસ્કારી (કે સંસ્કારી હોવાનો દેખાવ કરી શકતી) ને સારો કરિયાવર લાવતી છોકરીઓ માટે રસ્તો સરળ હોય છે. મારા જેવી સિધ્ધાંત, સ્પષ્ટતા અને ભાવિનાં આયોજન સાથે ચાલતી છોકરીઓ માટે અહીં પણ સંઘર્ષ જ લખાયો હોય છે સાથે પારિવારીક સમસ્યા અને સંતોષી તોય ઓછી આવક સાથે જીવનને માણવાની ઇચ્છા રાખતા છોકરાઓ માટે પણ મેરેજ કરવામાં ઘણી સમસ્યાઓ હોય ‌છે.
મારી રીતે સ્પષ્ટ શબ્દમાં કહું તો તમે છોકરો હોવ કે છોકરી સમાજના મતે તમે ' પરફેક્ટ મેરેજ મટીરીયલ' નથી તો એ તમારી સૌથી મોટી ભૂલ છે. પાત્રો ને પસંદ કરવામાં સમાજે ઘડેલા આદર્શો સાથે જીવનને સેટ કરવામાં જ સમયની રેખા ખૂટી જાય છે, સમાજે નક્કી કરેલા આદર્શો બધાં પર સમાન રીતે ભલે લાગું થાય પણ બધાં એને સમાન રીતે પૂર્ણ કરી શકે એ જરૂરી તો નથી અને મારા મંતવ્ય મુજબ સમાજે નક્કી કરેલા આદર્શોમાં જાતને ફીટ બેસાડવામાં સમય બગાડવો એ કરતાં આપણાં આદર્શ સાથે સંયોજન સાંધે એવું પાત્ર શોધવામાં સમય કેમ આ આપવો ! અને ના મળે ત્યાં સુધી એ લાઇફમાં અધૂરપ કેમ રાખવી ?! પણ હા, સાથે એ વાતનો એ ખ્યાલ રાખવો પડે આપણે વ્યક્તિ સાથે લગ્ન કરીએ છીએ કોઈ રોબોટ સાથે નહીં કે જે આપણી ઈચ્છા મુજબ જ ચાલે. ટુંકમાં, "બન્નેની ઈચ્છા સ્વભાવ અને સપનાંનો એવો સરસ સમન્વય થવો જોઈએ કે લગ્નજીવન સમજણથી દીપી ઉઠે." બધું પોતાનું ધાર્યું જ થાય એ અંહ સામેનાં પાત્ર સાથે સંબંધને એ ખોખરા બનાવી દેય છે. એડજેસ્ટ ( adjustment) કરવામાં "ના" એ તમારો સમજણ ‌વગરનો એટીટયુડ છે પણ કેટલી હદ સુધી બન્ને પક્ષ સમાયોજન સાધી ખુશ રહી શકે એ સમજણ પર આધારિત છે

ટુંકમાં, વ્યવસ્થા લચીલી કરવા પહેલાં વ્યક્તિએ પણ પસંદગીના વલણમાં જડતા ત્યજી થોડા બદલાવ અપનાવવો પડશેને સામેનું પાત્ર 100 % આપણને જોઈએ એવું ના જ હોય એ સ્વાભાવિકતાને સ્વિકારી ચાલવું જોઈએ, આદર્શ પાત્રની માન્યતા બદલવી એ વ્યક્તિ અને નૈતિકતા પર આધાર રાખે છે પરંતુ જો એરેન્જ મેરેજની પ્રક્રિયા થોડી લચીલી બનાવાય ને તો આરામથી પાત્ર શોધવાની માથાકૂટ, મહેનત ને સરળ અને સરસ બનાવી શકાય ..... કેવી રીતે ? એ ફરી ક્યારેક...!

Thursday, 4 November 2021

દિવાળી

"દિવાળીમાં ખરેખર ઘરની સફાઈ થાય અને ધૂળ મન પરથી ખંખેરાઈ." આ વાત મને આ વર્ષે જ સમજાય જ્યારે દિવાળી મનાવવા અને જાતે સફાઈ કરવાનું નસીબ ના થયું....
દર વર્ષે સફાઈ કરતાં હું અચૂક મોમ ને પૂછું મોમ આ સફાઈકામ અત્યારે જ કેમ ? જવાબો દર વર્ષે જુદા મળે ક્યારેક મજાક, ધમકી, કારણો, તો ક્યારેય સામે પ્રશ્ન. ને શરું થઈ જાય સફાઈ સાથે વાતોને દલીલો... ઘરમાં કયો ભાગ વધું ગંદો ક્યાં કેવી ચોકસાઈની જરૂર છે એ સાથે ઘણી ના કહેવાયલી મનમાં સાચવી રાખેલી વાતો એ વણાઈ જાય....હવે પછી શું કરવાથી ઘર સારું રહેશે નું આયોજન થાય અને ભુતકાળમાં આવા પ્લાનિંગ ના થયેલા કિસ્સાઓ એ જામે.... વર્ષ ભરની વ્યસ્તતામાં જે સમય સાથે ના માણી શક્યા હોઈએ સાથે ના વિતાવી શકેલા હરેક પળ જાણે વ્યાજ સહિત વસુલાત થાય..

કયું કામ‌ કોણ કરે ! કોની ચોક્કસાઈ વધારે! કોની પાસે નવા પ્લાનિંગ સારા હોય ! કોણ થાક્યા વગર વધું કામ કરી શકે ! આ બધાંમાં જાણે ઘરમાં વર્ષભર કોણ શું કરશે એ પણ નક્કી થઈ જાય. ઘરને જાતે સજાવવામાં સહુનાં હાથ મળેને ખરેખર હૃદયે દીવા ઝળહળે.. કંઈ વસ્તુ રાખવી ને કાઢવી એ બાબતે એ ફટાકડા ફુટે. નવી મજાની ગોઠવણી મનને રંગોળી જેવી મીઠી લાગે..... ને થાક્યા શરીર એ મનમાં આનંદ ભર્યો હોય એ જ સહિયારા સાથની ઉજવણી..

આ રીતે સફાઈથી શરું થતી દિવાળી ઘરની સાથે સંબંધને પણ ચમક આપી જાય... પરંતુ જો શરૂઆત સફાઈથી ના થાય તો ! ઘરની ધૂળ તો પૈસા ખર્ચીને સાફ થઈ જાય પણ સંબંધોમાં ? એનાં સફાઈ કરવા તો ત્યારે પણ મહેનત જ કરવી પડે બસ નવી રીતે !

નવી રીત અજમાવવી સહેલી હોય પરંતુ સ્વીકારવી થોડી અઘરી... પરંતુ આ પરિસ્થિતિને પરિવર્તન સ્વીકારી જે પરિવાર સંબંધોને ચમકદાર બનાવી શકે તહેવારોના ઉત્સાહને પરંપરાગત ઢબ બદલાવા છતાં જાણવી શકે ને નવી રીતે સ્નેહનાં સાથીયા પુરી શકે એ ઘરમાં બારેમાસ દિવાળી હોય...!

મારી વ્હાલી મમ્મી

વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર.  ...