Thursday, 1 October 2020

ફરી આવો ને બાપુ !


"મારું જીવન એ જ મારો સંદેશ છે.

બાપુ, તમારી વાતમાં મર્મ હજાર છે.

સંદેશની સાથે સહુના સ્વાર્થ બેલગામ છે.

આજ તમારા ભારતને ફરી તમારી જરૂર છે."

આજે પણ જેમનો સંદેશો મૂંઝવણની રાત્રીમાં "ધ્રુવ તારા" સમાન છે એવા આપણા સહુના લાડીલા બાપુ, ભારતના રાષ્ટ્રપિતા અને વિશ્વના પથદર્શક એવા   "મહાત્મા ગાંધીજી" ને મળવાનું કોને ન ગમે ! 

ખાસ કરીને એમના મૃત્યુના ૭૩(તોતેર) માં વર્ષે, બદલાયેલું વિશ્વ અને બદલાયેલી સમસ્યા જો ગાંધીજી જીવતા હોય તો તેમનો દ્દષ્ટિકોણ કેવો હોય ! આ જિજ્ઞાસા થયાં જ કરે. આં સમયે વિશ્વના મહાનાયક અને અહિંસાના સેનાની સાથે વાત કરવાની કલ્પના જ મનને રોમાંચિત કરી મૂકે છે.

બાપુ, આજનાં મોટીવેશનલ સ્પીકર રોબિન શર્મા તેમના પુસ્તકમાં "તમારા મૃત્યું પર કોણ આશું સારશે ?" આં પુસ્તકમાં સમસ્યાના સમાધાન માટે ઇતિહાસમાં થઈ ગયેલા મહાન ચિંતકો સાથે ધ્યાન અવસ્થામાં વાતચીત કરી સારા સારા સમાધાન તરફ જવાની કલ્પના રજૂ કરે છે. અત્યારે તમારી સાથે વાત કરતા મને એવું જ લાગી રહ્યું છે જાણે શ્રેષ્ઠ સમાધાનની કેડી મારા આંગણે આવી ને ઊભી છે.

બાપુ, વિશ્વ અત્યારે કોવિડની મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે મને યાદ આવે છે કે જોહનિસબર્ગમાં ફેલાયેલી કાળી મરકી વખતે તમે તરત જ કેવી સેવા શરૂ કરી હતી ! સરકારની પહેલની રાહ જોયા વગર ! અને સ્વયંસેવક બનનારનું પરિવાર ના હોય એ પણ નિશ્ચિત કરી નૈતિકતા દર્શાવી હતી. રાજકોટમાં તો આરોગ્ય વિભાગ સાથે મળી સ્વચ્છતા પર ધ્યાન આપવા કામ ઉપરાંત, સહુપ્રથમ અસ્પૃશ્યોના નિવાસમાં જવાની પણ  
પહેલ કરી હતી અને ઘણા સુધારાઓ પણ સૂચવ્યા હતા. બાપુ, આજે તમે હોત તો ! આ મહામારી વિકરાળ બની લોકોને ભરખી રહી છે. વધતા મૃત્યુદર, સંસાધનો અને માણસોની કમીથી મજબૂર આરોગ્ય વિભાગ, લોકો ફરિયાદમાં અને સરકાર પોતાના બચાવમાં વ્યસ્ત છે. મહામારીનાં સમયે પણ આં એક ભારત એક જૂથ થઈ લડતું નજર નથી આવતું. આજ તમારી એક હાકલની ફરીથી જરૂર જણાય છે.

આં સાથે સ્વસ્થ જાગૃતિના અભિયાનમાં પણ તમારા માર્ગદર્શનની જરૂર જણાય છે. ભોજનમાં આરોગ્યવર્ધક પ્રયોગો, પાણી અને માટીનાં પ્રયોગો, શાકાહાર માટેનો દ્રષ્ટિકોણ, ઉપવાસનું મહત્વ જે દેહ શુદ્ધિથી લઈને આત્મશુદ્ધિ તરફ લઈ જતા હતા.આવા વિરલ પ્રયોગોના સફળ અમલ ગાંધીજી જ કરી શકે. બાપુ, આજે બદલાયેલી જીવનશૈલીમાં સ્વાસ્થ પ્રત્યે ધ્યાન એ ગૌણ બાબત છે. ખોરાકમાં પરેજી એ લોકો માટે અવાસ્તવિક છે. તમારા આદર્શ પર ચાલી   "૬૧ માં"   વરસે દાંડીકૂચની કૂચ કરી શકે એવા નેતા તો નથી જ રહ્યા પરંતુ સ્વાસ્થ શરીર પણ નથી રહ્યા.

"આર્થિક સમાનતાનાં મજબૂત પાયા પર

કાર્યક્રમનું ચણતર ન કરવામાં આવે તો તે

રેતી પર બાંધેલી ઇમારતો જેવું નીવડશે"

તમારી આં ચેતવણી આજે સાચી પડી રહી છે. ભારતનો ગરીબ મજૂર વર્ગ અચાનક લાચાર બની ને ઊભો છે. મહામારીના સંક્રમણનાં ડર કરતાં રોજ શું જમવું ? એમની માટે એ પ્રશ્ન બહુ મોટો છે. સરકારની કરોડરજ્જુ પણ આં  લોકડાઉન અને બંધ અર્થવ્યવસ્થાથી ભાંગી આધાર શોધે છે. બાપુ, તમે તો તે સમયનાં "ભારતનાં વ્યવહારુ અર્થશાસ્ત્રી" કહેવાયા હતાં. ગરીબો સાથે ગરીબોનાં લિબાસમાં ઊભા રહી એમના રાહબર બન્યા હતા. બાપુ, તે સમયનો તમારો "યંત્રોની ઘેલછાં સામેનો વિરોધ અને યંત્રોનો સ્વીકાર" આં મિશ્રિત વાત અમલમાં મુકવા સરકાર એ પ્રયત્ન કરી રહી છે. સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મનરેગા જેવા પ્રોગ્રામો ચાલુ છે. સ્વાવલંબનનો અને સ્વદેશનો આદર્શ "આત્મનિર્ભર ભારતમાં" ઝલકી રહ્યો છે પરંતુ દરેક કાર્યક્રમોના અમલમાં તમારા જેવા કર્મનિષ્ઠ અને નૈતિક વ્યક્તિની કમી ઉડીને આંખે વળગે છે.

બાપુ, શિક્ષણક્ષેત્રની હાલત પણ શ્રેષ્ઠ કક્ષાની કહી શકાય એવી તો નથી જ. જૂના નવા પ્રશ્નો ભેગા મળી અંગ્રેજોનાં સમયની ખખડધજ શિક્ષણ વ્યવસ્થાથી ભારતની ઈમારતોની મજબુતાઈ સમા યુવાધનને ખોખલા બનાવી રહી છે. બાપુ, તમે કહ્યું હતું કે,

"હિંદમાં જ્યાં એંશી (૮૦) ટકાથી વધુ વસ્તી 

ખેતીમાં જોડાયેલી છે ત્યાં કેળવણી અક્ષરજ્ઞાનની

જ આપવી અને બાળકોને ભણતર પૂરું કર્યા પછી

શારીરિક શ્રમ માટે નાલાયક બનાવવા એ ગુનો છે."

પરંતુ, ખેડૂતનાં શિક્ષિત પુત્રને ખેતી કરવામાં શરમ આવે છે ! અને વળી આજનું શિક્ષણ પગભર થવાની કલા પણ નથી શીખવતું !બાપુ, તમારા મતે...

"ભૂખે મરતા કરોડો માણસોની ભૂમિમાં

આપી શકાય એવી પ્રાથમિક કેળવણી એ

હસ્તકલા કૌશલ્ય છે અક્ષરજ્ઞાન તો એ પછી આવે"
 
 પરંતુ, આજે ઉચ્ચ શિક્ષણ સુધી નકરી ગોખનપટ્ટી જ  છે. ઈતરપ્રવૃત્તિ કે વાસ્તવિક જીવનમાં કામ લાગે એવી પ્રવૃત્તિના અભાવના પરિણામે ગરીબી, ભ્રષ્ટાચાર, ગેરલાયક અધિકારી, લાગવગશાહી, શિક્ષક માત્ર પગારદાર બની રહ્યા છે આં બધી સમસ્યામાં ઓનલાઇન શિક્ષણ નવું ઉમેરાયું.! બાપુ, આં સમયે તમે હોત તો ! ફિનિક્સ આશ્રમથી લઈ સાબરમતી આશ્રમ સુધીનાં સ્વાવલંબન, નૈતિકતા શિષ્ટ જેવા આદર્શની ફરી જરૂરિયાત જણાય છે. ગ્રામોદ્યોગ, હસ્તકલાની જરૂરિયાત બદલાતા યુગમાં વાસ્તવિક બનાવવામાં તમારો હાથ જોઈએ છે. અંગ્રેજી ભાષાનાં અતિક્રમણમાં ભાષા શિક્ષણને  તમારું પીઠબળ જોઈએ છે. બાપુ, બેકારીનું કેવું સરસ સમાધાન હતું તમારી પાસે,

"ઉદ્યોગોને ઈજનેરની જરૂર  હોય તો તે જાતે 

જ સરકારની દેખરેખ નીચે કોલેજ ચલાવે."

        શિક્ષણ અને જરૂરિયાત આ રીતે જ ચાલે એવું તમારું સૂચન હતું. પરંતુ બંને અલગ થઈ ગયા અને બેરોજગારીની મુંજવણ સામે ફરી તમારી સલાહ જોઈએ છે.

શિક્ષણ મેળવવા વાંચન એ અનિવાર્ય છે અને જીવન ઉપયોગી પણ. તમારા જીવનમાં વાંચનનું કેટલું મહત્વ હતું. મનુસ્મૃતિમાંથી વિદ્યાર્થી વયે લીધેલી શીખ "જગત નીતિ ઉપર નભેલું છે. નીતિમાત્રનો સમાવેશ સત્યમાં થાય છે." માતાને આપેલું શાકાહારનું વચન પાળવા  વિલાયતમાં તમે એ અંગે કરેલા વાંચનમાં હવર્ડ વિલિયમ્સના "આહાર નીતિ" તમારા જીવનમાં અસર, ધાર્મિક પુસ્તકોનાં વાંચનથી સમજ વધારનાર ગીતા, આનાર્લ્ડનું બુધ્ધચરિત્ર ને બાઈબલનો ગમેલો અને જીવનમાં ઉતારેલા સંદેશ   " કોઈ તમને ડાબા ગાલ પર તમાચો મારે તો જમણો ગાલ ધરવો" તો વકીલાતના કામ દરમ્યાન તમારો જીવન દૃષ્ટિકોણ ઘડનાર ટોલેસ્ટોય, "વૈકુંઠ તારા હ્દયમાં છે." અને રિસ્કિનનું, "અનટુ ધિસ લાસ્ટ" પુસ્તકની અસર ખૂબ સારી રીતે તમે "સત્યના પ્રયોગો" મા વર્ણવી છે પરંતુ આજના વિદ્યાર્થી કે લોકો પાસે વાંચવાનો સમય નથી ! વાંચવાથી વધતો અલગાવ એ ભારત અને માનવજાત માટે હાનિકારક સિદ્ધ થશે. બાપુ, "વાંચન દ્વારા જીવન જીવનપરિવર્તનની" આગવી જીવંત શ્રેણી લખવા તમે આવી ના શકો !

બાપુ, આજે સ્ત્રીને શિક્ષણ આપવા માટે લક્ષ્મીબોન્ડ અને અનામતની નીતિ એ એટલી કારગર નથી નીવડી જેટલી તમારી હાકલ હતી. સ્વતંત્ર જીવન અને રાજનીતિમાં હજી પણ સ્ત્રીઓ પુરુષોનો પડછાયો માત્ર છે. નોકરીની ઘણી તકો વચ્ચે " સ્ત્રી છે " ના ફાયદા કરતાં ગેરફાયદા વધુ. સ્વતંત્ર કામ કરવામાં સબળા કરતાં અબળા બનાવતા તત્વો વધારે. બળાત્કાર, હત્યા, દહેજ, ઘરેલું હિંસા એ તો આજનાં રોજિંદા સમાચારનાં ભાગ ગયા છે. બાપુ, તમારા સાનિધ્યમાં તો કસ્તુરબા થી લઈ પૂર્ણિમાબેન, સરોજિની નાયડુ જેવી નારીઓ સાથે ભારતની સામાન્ય નારીઓ પણ સ્વતંત્ર સંગ્રામમાં ભાગ લઈ ભારતનાં ઇતિહાસમાં વીરાંગના બની અમર થઈ. આં બાબતે " કરશનદાસ માણેકે " ખૂબ લખ્યું છે,

"ન બેમ્યાન છુરી જેણે કદી ઝાલી જાણી

બની એવી અબળાઓ છે અંબા-ભવાની"

આજની પરિસ્થિતિ ઉદ્ધાર માટે ફરી આપ જેવા મહામાનવનું નેતૃત્વ ઈચ્છે છે. સ્ત્રીઓને રાજકારણમાં લાવનાર તમે હતા પરંતુ આજે બદલાયેલી રાજનીતિ સ્ત્રીઓના મતબેંક અને પ્રચાર માટે ઉપયોગ કરવામાં જ મગ્ન છે.વૈભવી જીવનશૈલી, કાળા નાણાં, રાષ્ટ્રીય હિત પછી પહેલા સ્વહિત. આવા નેતાઓથી ભારતની લોકશાહી દુનિયાની સૌથી નિષ્ફળ વ્યવસ્થા બનવાનાં આરે આવી ઊભી છે. રાજનીતિમાં ધર્મનો ઉપયોગ મત લેવા માટે થઈ રહ્યો છે.

"સહુને રામરાજ્ય સ્થાપવા કરતા રામમંદિર બનાવવામાં વધારે રસ છે."

       આમાં ભારતની વિવિધતા એકતાની તાકાત ક્ષીણ થઈ રહી છે અને અમારી નિષ્ફળતાની રેખા લંબાવે છે.  ગામડાં એ આપણી પ્રગતિના મૂળ આધાર છે.

"ભારતનો આત્મા ભારતના ગામડાઓમાં વસે છે."

પરંતુ આજે ગામડાં સુધી ખુરશીની રમત પહોંચી ગઈ છે.પંચાયતી રાજની વ્યવસ્થા ગામડાંને સધ્ધર કરવાને બદલે અમુક લોકોને જ સધ્ધર બનાવવાનું સાધન બની ગઈ છે.ચૂંટણી પેલા હાથ જોડી આવતા અને ચૂંટણી પછી હાથ જોડી બહારનો રસ્તો બતાવતા લોકનેતાઓથી લોકો પરેશાન છે.

"અમને આશિષ આપ

કે સેવક ને મિત્ર બનીને

જે જનતાની અમે સેવા કરવા ઇચ્છીએ છીએ

એમનાથી અલગ ના થઈ જઈએ

અમને નમ્રતાની સાક્ષાત મૂર્તિ બનાવ

જેથી આ દેશ ને

અમે વધારે સમજીએ ને વધારે પ્રેમ કરીએ..."
 

બાપુ તમારી હૃદયકુંજ પ્રાર્થનાંના અંશો, દુનિયાની શ્રેષ્ઠ નેતૃત્વકક્ષાનાં ભાવો પ્રગટ કરે છે પણ હવે માત્ર મુલાકાત અને પ્રદર્શનનો ભાગ છે. આજે દેશને અને વિશ્વને ફરી "હૃદયકુંજની પ્રાર્થના" સાર્થક કરે ને

"સત્ય અને અહિંસા જેવા સાધનો અબોધ

પ્રજાનાં હાથમાં મૂકી હિમાલય જેવી ભૂલ કરી છે."
 

કબૂલી ઉપવાસ કરનાર રાજકીય સંન્યાસીની જરૂર જણાય છે.

રાજનીતિ, ધર્મ, ઈશ્વર, માનવતા, સેવાનો સમન્વય કરી ભારતમાં તમે રાજનેતાની અલગ જ નીતિ સ્થાપી હતી. વિશ્વ આજે એનું પ્રશંસક છે પરંતુ અનુયાયી નહિ. બાપુ, તકલીફ એ છે કે "સ્વચ્છ ભારત અભિયાન" કે, "મનરેગા" ચલાવી શક્યે પરંતુ નહેરૂજી એ તમારા વિશે પોતાના લખાણમાં કહ્યું છે એમ,
                                  "હિંદનાં લોકોની નિષ્ક્રિયતા સામે લડવામાં સૌથી વધુ ફાળો આપનાર"
નેતાની કમી એ અમારી સૌથી મોટી ખામી બનીને ઉભરી આવે છે.

રાજકીય ગુણવત્તા ની સાથે સાથે પ્રેસએ પણ પોતાની ગુણવત્તા ગુમાવી છે. ફેક ન્યૂઝ, ટીઆરપીની રેસ, ન્યુઝનું અતિક્રમણ જેવી અનૈતિક વાત આજના છાપા અને ચેનલો માટે તો સામાન્ય થઈ ગઈ છે અને નવાઈ ની વાત તો એ છે કે, દર્શકોને પણ આમાં જ મજા આવે છે. આવા સમયે બાપુ, તમારી ટકોર યાદ આવે છે,

"પ્રેસની આઝાદીનો મતલબ એ નથી કે

જનતાના મનમાં ઝેરીલા વિચારો પેદા કરે, સાથે

વાંચનારાઓ ને પણ ચેતવણી આપીશ કે એમાં

છપાયેલી કહાનીઓ એમના ઉપર સહેલાઈથી

અસર ના પડવા દે."
 

બાપુ, આં ટકોર કેમ ની અમલ કરવી ? બદલાયેલી પરિસ્થિતિ તમારા પ્રત્યક્ષ માર્ગદર્શન વગર ઘણી ધૂંધળી લાગે છે. બાપુ, તમારું વ્યક્તિત્વ જ એવું વિરલ હતું કે તમારા સલાહ સૂચન વિના  ભાવિ અઘુરું જ લાગે.   ખુદ આઇન્સ્ટાઇને પણ  કહ્યું હતું કે કઈંક આવુ  જ આપના વ્યક્તિત્વ વિશે, જે વાત મને અહી ઉલ્લેખ કરવાનું મન થાય છે,

 "આવનારી પેઢી ભાગ્યેજ માની શકશે

કે આવો કોઈ માણસ, હાડમાંસથી અને

રક્ત નો બનેલા આં પૃથ્વી પર ચાલ્યો હશે'

દુનિયાને તમારી જેમ પોતાના સિદ્ધાંતોને વળગી રહેનાર બીજું કોઈ ભાગ્યે જ મળશે.

        કોણ માનશે વિશ્વ જ્યારે હિંસાની આગમાં લપેટાય બે-બે વિશ્વ યુદ્ધ અને નાના-મોટા યુદ્ધોમાં હોમાય ચૂક્યું હતું ત્યારે એક માનવીએ અન્યાય નો વિરોધ કરવા બંદૂક  અને તોપ ભર્યા બ્રિટિશ સામ્રાજ્ય સામે "સત્ય અને અહિંસા" ના હથિયાર ઉઠાવ્યા હતા. કોણ માનશે કોલકત્તાના "ગાંધીને મારો મારો" પુકારતા ટોળા  સામે તમે,  "લો મારો, હું આ રહ્યો."  કહી ઊભા રહ્યા હતા.

બાપુ, નહેરૂજીએ કહ્યું હતું "ગાંધીજી જેવી દઢતાથી સત્યને  વળગી રહેનાર એક પણ માણસ મેં નથી જોયો" બાપુ, આજે વારસો પછી પણ તમારા જેવા સત્યને ટેકાવાળો કોઈ  માણસ નથી થયો. આજે તો કહેવાય છે,

                                                      "તમે સત્ય કહો ને હું ગાંધી સમજું"

બાપુ, બ્રિટિશ સામ્રાજ્ય જેનો સૂર્ય ક્યારેય અસ્ત ના થતો, એ વૈભવની અટારીએ તમે ૧૯૨૧માં અપનાવેલી પોતડી પહેરી પહોચ્યાં "અર્ધનગ્ન ફકીર" નું સંબોધન કરનાર ખુદ જ વગોવાયા ! તમારા વિશે માઉન્ટ બેટનએ ઉચિત જ કહ્યું છે કે,

"જે ગાંધી ને ભારત સોનાંની ચમચીમાં

ખવડાવવા ને સોનાથી નવાજવા તૈયાર છે

એ ગાંધી તૂટેલી એલ્યુમિનિયમની ચમચીથી

ખાય છે, કદાચ એટલે જ તે મહાત્મા છે."



સત્ય, અહિંસા અને સાદગી ઉપરાંત જીવનભર તમારા વ્યક્તિત્વનો ભાગ રહ્યા એવા બીજા બે ગુણો કરકસર અને સ્વાવલંબન છે. ઇન્ડિયન ઓપીનિયનથી લઈ નવજીવન તંત્રમાં તમે જે કરકસરની જે રીત અજમાવી હતી આજે પણ કોઈક માણસ એ રીતે સંચાલન કરી જુવે તો સમજાય, બાપુનો મેનેજમેન્ટ પાવર કેવો સરસ હતો ! સ્વાવલંબન કસોટી તો જીવનમાં પળેપળ આપી છે. જેલમાંથી તાર કરવો કસ્તુરીબા એ પરંતુ ખર્ચનું શું ? સાડી વેચી દીકરાને યાદ કરવાનું મૂલ્ય ચૂકવ્યું. દક્ષિણ આફ્રિકામાં સેવા કરી પરિવાર સહિત વિનામૂલ્યે અને વિદાય સમારોહમાં મળેલા ઘરેણાં પણ દાન કરી આવ્યા. આ બધામાં તમારી પ્રાર્થના શકિત, જેના સંચારથી તમે ભારતભરમાં સત્યાગ્રહનાં કાર્યક્રમો સફળ બનાવ્યા હતા જે વિશ્વમાં આજે પણ વખણાય છે.

બાપુ, હું તમને એક વિનંતી કરી શકું ? તમારા બતાવેલા રસ્તે ભારતને ચાલવું અવાસ્તવિક લાગ્યું પરિણામે આજે ભારતની વાસ્તવિક સ્થિતિ બગડી છે. ઈ. સ. ૧૯૨૦ માં તમે કહ્યું છે,

"જેમ સારામાં સારા અસ્ત્રો નાદાન હજામ ના હાથમાં

કઈ કામના નથી તેમ સારામાં સારું બંધારણ સ્વાર્થી

કે અજ્ઞાની માણસોના હાથમાં નકામું થઈ પડવાનું છે."

તમારી વાત આજ સાચી પડતી જણાય છે. તમને ગોળીએ વિંધ્યાની સભા મળતી જણાય છે. વિશ્વના શ્રેષ્ઠ બંધારણમાનું એક જેને અમે અબોધ પ્રજા સાવ નકામું સાબિત કરી "ઠોઠ નિશાળિયા" સાબિત થઈએ એ પહેલા હાથમાં લાકડી લઈ માર્ગ ચીંધવા તમે આવશો ને બાપુ ?

"ગાંધીએ આહવાન કર્યું ને હિન્દુસ્તાન ખીલી ઉઠ્યું"

ફરી કોઈ ટાગોરની આવો શબ્દ બોલી ઉઠે, ફરી વિશ્વને નવી રાહ મળે, ફરી ભારતને "ભારતનો આત્મા" મળે, ફરી ભારતીયોને બાપુ મળે, એ માટે ફરી આવોને  બાપુ !

 

No comments:

Post a Comment

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીએ મારું મનોમંથન

 26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...